'એક જ ઘડીમાં બધું ખતમ થઈ ગયું, અમારાં સપનાં તૂટી ગયાં', અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવારની વ્યથા
વડોદરાના ભાવિક મહેશ્વરી (25 વર્ષ) છેલ્લાં ચાર વર્ષથી લંડનમાં રહેતા હતા. 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયું, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
તે પહેલાં 10 જૂન, 2025ના રોજ તેમણે કોર્ટ મૅરેજ કર્યાં હતાં. આવનારા મહિનાઓમાં હિંદુ વિધિ પ્રમાણે લગ્ન કરીને પત્નીને લંડન લઈ જવાની તેમની યોજના હતી. તેમનાં માતા-પિતાનું કહેવું છે કે, "એક જ ઘડીમાં બધું ખતમ થઈ ગયું. અમારાં બધાં સપનાં તૂટી ગયાં."
પરિવારજનોના કહેવા મુજબ, ભાવિક દરેક કામમાં પરિવારને પ્રથમ સ્થાન આપતો હતો. દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી, ફોઈ-ફુઆ કે પછી તેમનાં બાળકો—પરિવારનો દરેક સભ્ય તેમના માટે મહત્ત્વનો હતો. પરિવાર કહે છે કે, તેઓ દરેકની એટલી ચિંતા રાખતા કે હવે તેમના વગર બધાને ખાલીપણું અનુભવાઈ રહ્યું છે.
12 જૂન, 2025ના રોજ ઘરેથી નીકળતાં તેમણે પોતાનાં માતા કવિતાબહેન મહેશ્વરીને કહ્યું હતું કે, 'મમ્મી, હવે તું લગ્નની તૈયારીઓ શરૂ કરી દેજે. હું આઠ મહિના પછી પાછો આવીશ અને ધામધૂમથી લગ્ન કરીશ.' તેમણે પોતાનાં પત્નીને પણ કહ્યું હતું કે, 'તું રડતી નહીં, બસ આઠ મહિનાની જ વાર છે. પછી હું તને લંડન લઈ જઈશ.'
આ અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં, પરિવાર આજે પણ ભાવિકની એક-એક વાત યાદ કરીને રડી પડે છે. ભાવિકનો પાસપૉર્ટ હોય, તેનું ક્રેડિટ કાર્ડ હોય, તેનો પર્સ હોય કે પછી AI-171નો બૉર્ડિંગ પાસ—તેની દરેક વસ્તુ પરિવારે આજે પણ તેની યાદ તરીકે સાચવી રાખી છે.
રિપોર્ટ – રૉક્સી ગાગડેકર છારા
શૂટ – પવન જયસ્વાલ
ઍડિટ – રિપુલ મકવાણા

ઇમેજ સ્રોત, mukesh maheshawari
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



