You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદને લઈને શું છે આગાહી? ગરમી વધશે કે વરસાદ પડશે?
ભારતમાં ચોમાસું ધીમેધીમે આગળ વધી રહ્યું છે અને ગતિવિધિ પણ ઝડપથી બદલાઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, નૈર્ઋત્યનું (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસું આજે, 23 મે 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને મધ્યપૂર્વ બંગાળની ખાડી તેમજ આંદામાન સમુદ્રના મોટા ભાગના વિસ્તારોમાં આગળ વધી ગયું છે.
એટલે કે આગામી દિવસોમાં ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ રહેશે એવું લાગી રહ્યું છે.
આગામી 3થી 4 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તેમજ આંદામાન સમુદ્રના બાકીના ભાગોમાં નૈર્ઋત્યના ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ પ્રવર્તી રહી છે.
સ્કાયમેટ વેધર અનુસાર, 23 મેની આસપાસ અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બની શકે છે અને એ અનુસાર, આગામી 24-48 કલાક સિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 23 મેના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગરહવેલી વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ વરસાદની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન