You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રીન કાર્ડ : અમેરિકાના આ નિર્ણયની ભારતીય યુવાનો પર શું અસર પડશે
અમેરિકાએ ગ્રીન કાર્ડ અંગે નવી નીતિ જાહેર કરી છે. તેના હેઠળ ગ્રીન કાર્ડ મેળવવાની ઇચ્છા ધરાવતા મોટાભાગના ઇમિગ્રન્ટ્સે અમેરિકા છોડીને પોતાના દેશમાં જઈને ત્યાં આવેલાં અમેરિકન દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસમાં જઈને અરજી કરવી પડશે.
યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ શુક્રવારે કહ્યું કે જે લોકો પોતાના વસવાટ અંગેના સ્ટેટસમાં બદલાવ ઇચ્છે છે, તેમણે "કેટલીક ખાસ પરિસ્થિતિઓ સિવાય" દેશની બહાર કૉન્સ્યુલર પ્રોસેસિંગ મારફતે જ આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
આ પગલું ટ્રમ્પ પ્રશાસનની 'ગેરકાયદેસર ઇમિગ્રેશન' રોકવાના પ્રયાસોનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે. આ પહેલાની એ કમીને દૂર કરે છે, જેના કારણે વિઝા ધારકો અને મુલાકાતીઓ અમેરિકામાં રહીને પણ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકતા હતા.
આ નીતિના આલોચકો કહે છે કે લાંબા સમયથી ચાલી રહેલી આ વ્યવસ્થા અરજીકર્તાને લાંબી અરજી પ્રક્રિયા દરમિયાન પરિવાર સાથે રહેવાની તક અને છૂટ આપતી હતી.
નવી વ્યવસ્થા લાખો ઇમિગ્રન્ટ્સ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. તેઓ એવા સંજોગોમાં ફસાઈ શકે છે કે જેમાં ગ્રીન કાર્ડ મેળવવાની આશામાં એક વખત અમેરિકા છોડ્યા પછી ફરી ત્યાં પરત જઈ શકવું અનિશ્ચિત બની જાય છે.
ગ્રીન કાર્ડ અમેરિકામાં સ્થાયી નિવાસની મંજૂરી આપે છે.
જાણકારોનું કહેવું છે કે યુએસસીઆઈએસની આ નવી નીતિની અસર ત્યાં રહેતા ભારતીયો પર પણ પડે તે નક્કી છે.
ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા લોકોમાં ભારત અને ચીનમાંથી આવનારા અરજદારોની સંખ્યા અન્ય દેશોના વ્યાવસાયિક કામદારોની સરખામણીએ ઘણી વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુએસસીઆઇએસ મુજબ, વર્ષ 2023 સુધીમાં 10 લાખથી વધુ ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવા માટે કતારમાં છે.
આ નિર્ણય તેવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો 23 થી 26 મે સુધી ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના પ્રવાસે છે.
ગ્રીન કાર્ડના નિયમોને બદલવાના નિર્ણય પર ઊઠેલા પ્રશ્નો
અમેરિકામાં ઇમિગ્રેશન ઍડ્વોકેટ અજય ભુટોરિયાએ નવી ગ્રીન કાર્ડ નીતિને ભારતીયો માટે ઝાટકો ગણાવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "કાયદાનું પાલન કરતા 12 લાખથી વધુ ભારતીય-અમેરિકનો હવે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. નવા નિયમ હેઠળ ગ્રીન કાર્ડ અરજદારોને અમેરિકા છોડીને ઇમિગ્રન્ટ વિઝા પર ફરી પ્રવેશ લેવો ફરજિયાત બનાવાયો છે."
તેમણે કહ્યું, "અમે પહેલેથી જ જોઈ રહ્યા છીએ કે છેલ્લાં બે વર્ષમાં શિક્ષણ માટે અમેરિકા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 થી 40 ટકાનો ઘટાડો થયો છે. ગયા ડિસેમ્બરમાં અમે જોયું કે જે લોકો વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત ગયા તેઓ હજુ પણ અટવાયેલા છે. તેમને મળેલી તારીખો ઑગસ્ટ, ઑક્ટોબર સુધીની છે."
તેમના અનુસાર, "આ નવાં પગલાંથી એવું લાગે છે કે ગ્રીન કાર્ડનો રસ્તો હવે પહેલાંની જેમ સરળ રહ્યો નથી. આ નૉટિફિકેશન અમેરિકનોને પોતાને નુકસાન થાય તેવું પગલું છે."
"જે 12 લાખ ભારતીય-અમેરિકનો ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે તેઓ સૌથી વધુ આવક ધરાવતા, ટૅક્સ ચૂકવનારા અને કાયદાનું પાલન કરનારા લોકો છે, જે અમેરિકા સરકારના ખજાનામાં અબજો ડૉલરનું યોગદાન આપે છે," અજય ભુટોરિયાએ કહ્યું.
બીજી તરફ, ભારતમાં કૉંગ્રેસના સાંસદ રાજીવ શુક્લએ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં તાજેતરમાં થયેલા ફેરફારો વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને તેમના ગ્રીન કાર્ડની મેળવવાની પ્રક્રિયા દરમિયાન તેમને અનિશ્ચિતતામાં મૂકે છે."
તેમણે ઉમેર્યું, "નવા નિયમો ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. લોકો પર તેનો પ્રભાવ ઘણો મોટો રહેશે અને તેને અવગણવો નહીં જોઈએ."
તેમણે ટ્રમ્પ પ્રશાસનને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા અપીલ કરી છે.
તેમણે કહ્યું, "અમેરિકન સરકારે આ નિર્ણય પર ફરી વિચાર કરવો જોઈએ, કારણ કે ભારતીયો સહિત વિશ્વભરના હજારો લોકોએ અમેરિકાની અર્થવ્યવસ્થા અને સમાજમાં મોટું યોગદાન આપ્યું છે."
"ભારત સરકારને પણ આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ અને વિદેશમાં રહેતા પોતાના નાગરિકોનાં હિત માટે તેમની સાથે ઊભા રહેવું જોઈએ," રાજીવ શુક્લએ કહ્યું.
તાજેતરમાં ચર્ચામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝર મુથુકૃષ્ણન ધંદાપાણીએ પણ પોતાના ઍક્સ પર કરેલી પોસ્ટમાં સૂચન કર્યું છે કે આ નવા નિયમોના કારણે અમેરિકામાં રહેતા એનઆરઆઈ લોકોનું જીવન વધુ મુશ્કેલ બનશે.
તેમણે લખ્યું, "અમેરિકામાં રહેતા એનઆરઆઈઓ માટે આ જાણવું મહત્ત્વપૂર્ણ છે. જો તમારી પાસે હજુ અમેરિકાની નાગરિકતા અથવા ગ્રીન કાર્ડ નથી, તો એવું લાગી રહ્યું છે કે તમારું જીવન વધુ મુશ્કેલ બનવાનું છે."
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના નિષ્ણાત હર્ષ પંતનું માનવું પણ છે કે ટ્રમ્પ પ્રશાસનની આ નવી નીતિનો અસર ત્યાં રહેલા ભારતીયો પર પડશે.
બીબીસી ન્યૂઝ હિન્દી સાથે વાત કરતાં તેમણે કહ્યું,"નવી પ્રક્રિયા સ્પષ્ટ રીતે ફરક લાવશે. પહેલાં જે પ્રક્રિયાથી તેમને ફાયદો મળતો હતો તે હવે બંધ થઈ છે. જ્યારે તમે કોઈ દેશમાં રહેતા હો અને ત્યાંથી ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકો, ત્યારે સ્થિરતા રહે છે."
હર્ષ પંતે કહ્યું, "પણ જો તમને ગ્રીન કાર્ડ માટે પોતાના દેશમાં જઈને અરજી કરવી પડે, તો તેમાં મુશ્કેલી વધારે છે."
તેમણે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન માટે ઇમિગ્રેશન એક મોટો મુદ્દો રહ્યો છે.
" તેમનું પ્રશાસન ઇમિગ્રેશન ઘટાડવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યું છે. જો તેઓ સંખ્યામાં ઘટાડો ન કરી શકે, તો પણ તેઓ તેમના મતદાતાઓને બતાવવા માંગે છે કે તેઓ પ્રયાસશીલ છે."
"આ જ દિશામાં આ પગલું ભરાયું છે. મધ્યાવધિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ ઇમિગ્રેશન મુદ્દે કડક વલણ બતાવવા માંગે છે."
હર્ષ પંતને પૂછવામાં આવ્યું કે આ નિર્ણયનો અમેરિકામાં રહેતા ભારતીયો તથા ભવિષ્યમાં ગ્રીન કાર્ડનું સપનું જોઈ રહેલા લોકો માટે કેટલો ઝાટકો છે?
તેમણે કહ્યું, "બન્નેમાં નિરાશા વધશે. અમેરિકાની તરફનું આકર્ષણ ઓછું થઈ શકે છે. જે લોકો ત્યાં અભ્યાસ કે નોકરી માટે જવા માગતા હતા તેમ માટે મુશ્કેલીઓ વધશે."
"જો ગ્રીન કાર્ડ માટે અરજી કરવા ભારત પરત આવવું પડે તો તે તેમને નિરાશ કરશે."
ગ્રીન કાર્ડ શું છે?
ગ્રીન કાર્ડ એ અમેરિકા માં સ્થાયી રીતે રહેવાની મંજૂરી આપતો દસ્તાવેજ છે.
આ દસ્તાવેજ ધરાવનારને અમેરિકન નાગરિકો જેવી ઘણી સુવિધાઓ અને અધિકારો મળે છે.
ગ્રીન કાર્ડ ધારકને મતદાનનો અધિકાર નથી, પરંતુ દેશમાં ક્યાંય રહેવા, કામ કરવા અને મુસાફરી કરવાની સમાન તક મળે છે.
આ કાર્ડ મળ્યા પછી અમેરિકાની સ્થાયી નાગરિકતા મેળવવાનો માર્ગ ખુલે છે.
યુએસસીઆઇએસ મુજબ તેને પરમનેન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે.
આ કાર્ડ સામાન્ય રીતે 10 વર્ષ માટે માન્ય હોય છે અને તેને પછીથી નવીકરણ કરવામાં આવે છે.
અમેરિકા વિદેશી નાગરિકોને વિવિધ સંજોગોના આધારે આ કાર્ડ આપે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન