You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મેં મારાં સ્તન નાનાં કરાવ્યાં અને અચાનક મારી જિંદગી બદલાઈ ગઈ'
- લેેખક, રેચલ ફ્લિન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
રનવિયા આજે પણ એ ઘટનાને યાદ કરીને સમસમી જાય છે, જ્યારે તેઓ માત્ર 11 વર્ષનાં હતાં અને એક આઇસક્રીમ વેચનારે તેમને જોઈને અભદ્ર સિટી મારી હતી.
તેમનું શરીર ઉંમર કરતાં વધુ અસામાન્ય રીતે વધવા લાગ્યું હતું.
એ સમયથી તેમને લાગ્યું કે તેમનાં સ્તનોના આકારથી લોકો તેમને અલગ નજરથી જુએ છે. આ કારણે તેઓ જાતને અલગ રીતે જોતાં હતાં.
સ્કૂલમાં પણ તેમને આ બાબત પર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.
રનવિયા કહે છે, "હું ત્યારે બાળકી હતી, પરંતુ અચાનક મારા શરીરના બે ભાગ એવા બની ગયા કે લોકો મારી તરફ જોવા લાગ્યા હતા. હું ભાવનાત્મક રીતે તેના માટે તૈયાર નહોતી."
ઇંગ્લૅન્ડના લિસેસ્ટરમાં એક દક્ષિણ એશિયન પરિવારમાં મોટાં થયેલાં રનવિયાને યાદ છે કે તેમને કેટલી 'શરમ' આવતી હતી, કેમ કે તેઓ સ્કૂલની અન્ય છોકરીઓની જેમ કપડાં નહોતાં પહેરી શકતાં.
તેઓ કહે છે, "હું કોઈ ખાસ કપડાં નહોતી પહેરી શકતી, કેમ કે મારાં સ્તન બહુ મોટાં દેખાતાં હતાં. મારી માતા ગભરાઈ જતી અને કહેતી, "તું આ ન પહેરી શકે."
તેની અસર માત્ર માનસિક નહીં, શારીરિક પણ હતી. રનવિયાને પીઠમાં દર્દ રહેતું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એડીએચડી (અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર) હોવાને કારણે તેમને દરેક સમયે પોતાના શરીરનો અહેસાસ અને તેને સંબંધિત ભાવનાત્મક બેચેની વધુ પરેશાન કરતી.
આ એક એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિ માટે ધ્યાન આપવું, શાંત બેસવું અને પોતાના વ્યવહાર કે આવેગોને કાબૂ રાખવામાં મુશ્કેલી પડે છે.
25 વર્ષની ઉંમર સુધી તેમનું વજન 50 કિલો હતું, પરંતુ બ્રાની સાઇઝ 32 જેજે સુધી પહોંચી ગઈ હતી. તેઓ સંપૂર્ણ ભાંગી પડ્યાં હતાં.
તેઓ કહે છે, "મને ફેસબુકમાં બ્રેસ્ટ રિડક્શન એટલે કે સ્તનની સાઇઝ ઘટાડતી સર્જરી સંબંધિત એક ગ્રૂપ મળ્યું. તેમાં અંદાજે 6,000 સભ્યો હતા."
બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવનારી મહિલાઓની સંખ્યા ઘટી
બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસના માધ્યમથી સર્જરી અંગે જવાબ આવ્યાની રાહ જોતાં તેમણે આ ગ્રૂપમાંથી વધુ માહિતી મેળવી.
રનવિયા કહે છે, "આ ગ્રૂપ પર મહિલાઓ વારેવારે એ કહેતી કે 'જો મેં આ સર્જરી પહેલાં કરાવી લીધી હોત.'"
ડૉક્ટરને મળ્યાના છ મહિના બાદ પણ એનએચએસથી કોઈ જવાબ ન આવ્યો, ત્યારે તેમણે ખાનગી હૉસ્પિટલમાં સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.
સર્જરીના કેટલાક મહિના બાદ એનએચએસે તેમને જણાવ્યું કે તેઓ ઑપરેશન કરાવી શકે છે.
બ્રેસ્ટ સર્જન લિન્ડસે હાઇટન અનુસાર, આવું માત્ર "ખાસ સંજોગોમાં" જ થાય છે.
રનવિયાનો બૉડી માસ ઇન્ડેક્સ ઘણી ઓછો હોવાને કારણે તેમને આ મંજૂરી મળી હતી.
રનવિયાની જેમ હજારો મહિલાઓએ બ્રિટનની ખાનગી હૉસ્પિટલોમાં બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવી છે.
બ્રિટિશ ઍસોસિયેશન ઑફ ઑથેન્ટિક પ્લાસ્ટિક સર્જન્સ (બીએએપીએસ) અનુસાર, આ પ્રક્રિયા ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.
રનવિયા કહે છે, "જ્યારે સર્જરી કરાવીને ઊઠી અને નીચે જોયું તો પહેલી વાર મને મારું પેટ દેખાયું. હું રડી પડી. આટલાં વરસોથી હું શારીરિક અને માનસિક બોજ વેઠતી હતી અને અચાનક મને લાગ્યું કે હવે હું પોતાને જોઈ શકું છું."
બીએએપીએસના એપ્રિલના આંકડા અનુસાર, પહેલી વાર એવું થયું છે કે બ્રેસ્ટ રિડક્શન અને ઇમ્પ્લાન્ટ હઠાવનારી મહિલાઓની કુલ સંખ્યા, સ્તનોના આકાર વધારનારી મહિલાઓથી વધુ થઈ ગઈ છે.
2025માં બ્રિટનમાં બ્રેસ્ટ ઇમ્પ્લાસ્ટ સર્જરીના કેસમાં આઠ ટકાનો ઘટાડો થયો છે.
બીએએપીએસનાં અધ્યક્ષ નૉરા ન્યુજેન્ટનું માનવું છે કે આ ફેરફાર "બહુ વધારે ઉભરેલા શરીર"થી હઠીને વધુ સ્વાભાવિક શરીર તરફ વધતા વિચારને દર્શાવે છે.
પૉડકાસ્ટ 'ધ બ્યૂટી ક્રૉનિકલ્સ'નાં પ્રેઝન્ટર મિરડિથ જૉન્સ કહે છે કે વજન ઘટાડતી દવાઓના વધતા ઉપયોગે પણ "બહુ પાતળા શરીર" તરફ લોકો ધ્યાન આકર્ષિત કર્યું છે.
માનચેસ્ટરમાં એનએચએસનાં બ્રેસ્ટ કન્સલ્ટન્ટ અને ખાનગી સર્જન લિન્ડસે હાઇટન કહે છે, "આ ફેરફાર થોડાક ટ્રેન્ડથી જોડાયેલો ચોક્કસ છે, પરંતુ મોટા ભાગે મહિલાઓની પ્રાથમિકતા હવે શરીરની કાર્યક્ષમતા છે. એટલે કે તે આરામદાયક રીતે હરીફરી શકે અને આત્મવિશ્વાસ અનુભવે."
'સુંદર દેખાવ કરતાં જિંદગી ઉત્તમ બનાવવી જરૂરી'
ગ્રેટર માનચેસ્ટરનાં 54 વર્ષીય સૂએ અનેક વરસો સુધી સ્તનપાન કરાવ્યાં બાદ ઇમ્પ્લાન્ટ કરાવ્યાં હતાં, પરંતુ બાદમાં તેમને લાગ્યું કે એ વિચારથી તેઓ આગળ નીકળી ગયાં છે.
સૂ કહે છે, "તે બહુ ભારે લાગતાં હતાં. હું ફરીથી ફીટ થવા માગતી હતી, પરંતુ એવું લાગતું કે શરીર પર કોઈ વધારાનો બોજ છે."
જોકે પ્રાઇવેટ બ્રેસ્ટ સસ્તી નથી હોતી. તેની કિંમત અલગ-અલગ શહેરોમાં અલગ હોય છે.
માનચેસ્ટરમાં સૂએ 2025માં પોતાનાં ઇમ્પ્લાન્ટ દૂર કરવા અંદાજે 9,500 પાઉન્ડ ખર્ચ્યા હતા.
તો રનવિયાની સર્જરીમાં અંદાજે 8,000 પાઉન્ડ ખર્ચ થયો, જે તેમણે ત્રણ વરસ સુધી હપ્તા ભરીને ચૂકવ્યો.
એનએચએસ અનુસાર, બ્રિટનમાં પ્રાઇવેટ ક્લિનિકમાં બ્રેસ્ટ રિડક્શન સર્જરીની કિંમત લગભગ 6,500 પાઉન્ડ હોય છે. તેમાં કન્સલટન્સી અને પછી સારસંભાળ સામેલ નથી હોતી.
હાઇટન માને છે કે જો કોઈ મહિલાને મોટાં સ્તનને લીધે શારીરિક સમસ્યા થઈ રહી હોય તો બ્રેસ્ટ રિડક્શનને ફંક્શનલ સર્જરી ગણવી જોઈએ, ન માત્ર કૉસ્મેટિક પ્રક્રિયા.
બીબીસીએ આ મામલે એનએચએસ ઇંગ્લૅન્ડનો સંપર્ક કર્યો, ત્યારે તેણે ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો.
બીબીસીએ એવી મહિલાઓ સાથે વાત કરી, જેમણે હાલનાં વરસોમાં પ્રાઇવેટ હૉસ્પિટલોમાં બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવી હોય.
સ્ટૉકપોર્ટનાં કૅટી કહે છે કે સર્જરીથી પહેલાં તેમની આખી જિંદગી તેમનાં સ્તનોના આકારની આસપાસ ઘૂમતી હતી.
એનએચએસ તરફથી મનાઈ ફરમાવ્યા બાદ તેમણે પ્રાઇવેટ સર્જરી કરાવી. તેમાં ત્રણ કિલો વજન ઓછું થયું. આ તેમના પ્રથમ બાળકના જન્મ સમયના વજન બરાબર હતું.
નૉરવિચનાં સિન્ડી કહે છે કે 16 વરસની ઉંમરે એક ડૉક્ટરે તેમને કહ્યું હતું કે "સર્જરીના પૈસા બચાવવા શરૂ કરી દો, કેમ કે એનએચએસ મદદ નહીં કરે."
હવે તેઓ દરરોજ જિમ જાય છે અને કહે છે, "હવે મારાં સ્તન મારી રોજિંદી જિંદગીના નિર્ણયો નક્કી નથી કરતાં."
36 વર્ષીય રિયાને 21 વર્ષની ઉંમરથી દર અઠવાડિયે 10 પાઉન્ડની બચત શરૂ કરી, જેથી 2025માં સર્જરી કરાવી શકે. હવે તેઓ અઠવાડિયામાં ચાર વાર વેટ ટ્રેનિંગ અને દોડ લગાવી શકે છે.
કાઉન્ટી ડરહમનાં સારા ઑટિસ્ટિક છે અને પોતાને નૉન-બાઇનરી માને છે.
નૉન-બાઇનરી એટલે એવા લોકો જે પોતાને માત્ર પુરુષ કે માત્ર મહિલાની પરંપરાગત ઓળખ તરીકે નથી જોતા.
મોટાં સ્તનોને લીધે તેમને ભાવનાત્મક પરેશાની થતી. તેમને લાગતું કે તેમનું શરીર "સાર્વજનિક સંપત્તિ" બની ગયું છે.
ઉર્મ્સટનનાં મિશેલ યાદ કરે છે કે તેમના 28મા જન્મદિને કોઈએ ગેરવર્તન કર્યું હતું.
તેઓ કહે છે, "એ ઘટના બાદ હું ઘણા સમય સુધી બહાર નહોતી નીકળી. બ્રેસ્ટ રિડક્શન ક્યારેય સુંદર દેખાવવા માટે નહોતું. એ જિંદગીને ઉત્તમ બનાવવા માટે હતું."
હાઇટન કહે છે કે નૅશનલ હેલ્થ સર્વિસમાં સર્જરી કરાવવી મુશ્કેલ હોવાથી અને ખાનગી હૉસ્પિટલોમાં સારવાર મોંઘી હોવાથી હવે અનેક મહિલાઓ સસ્તી સર્જરી માટે વિદેશ જાય છે.
'આ પોતાના શરીર પર બીજી વાર અધિકાર પ્રાપ્ત કરવા જેવું છે'
ઍલેક્સે (અસલી નામ નથી) ગત વર્ષે લંડનમાં પોતાની સર્જરીમાં 16,500 પાઉન્ડ ખર્ચ કર્યા હતા. આ ઑપરેશનમાં તેમનાં સ્તનોમાંથી 4.2 કિલો વજન ઓછું કરાયું હતું.
તેમનું માનવું છે કે તેમની સર્જરી મોંઘી એટલે હતી કે તેમનાં સ્તનોનો આકાર 'K કપ' હતો. તેની સર્જરીને 'સ્તનોની માઇકલએજેન્લો' કહેવાય છે.
ઍલેક્સ ફેસબુકમાં એક એવા ગ્રૂપમાં સક્રિય હતાં, જેમાં હજારો મહિલાઓ યુરોપ જઈને સર્જરી કરાવવા પર ચર્ચા કરતી હતી. તેમણે પોતે પણ બહારના દેશમાં જવાનું વિચાર્યું હતું.
તેમને લિથુઆનિયામાં અંદાજે 4,000 પાઉન્ડમાં સર્જરી કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો, પરંતુ તેમને બીક હતી કે જો પાછા ફરતી વખતે ફ્લાઇટમાં કોઈ મેડિકલ સમસ્યા આવી જાય તો શું થશે.
ઍલેક્સ કહે છે, "તેઓ એવી અનેક મહિલાઓને ઓળખે છે, જે આ સર્જરી કરાવવા માગે છે, પણ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી.
તેઓ કહે છે, "લોકોને સમજાવવું બહુ મુશ્કેલી હોય છે કે બ્રેસ્ટ રિડક્શન કેમ જરૂરી છે. આ માત્ર સુંદરતાની વાત નથી. તો તમારી એડી કે હાથમાં બહુ દર્દ થતું હોય અને તેનાથી તમારી રોજિંદી જિંદગી પ્રભાવિત થતી હોય તો તેની સારવાર જરૂરી હોય છે."
"રનવિયા કહે છે, "આ માત્ર કૉસ્મેટિક ટ્રેન્ડ કે પહેલાં કે પછીની તસવીરોવાળી કહાણી નથી."
"અનેક મહિલાઓ માટે રિડક્શનનો અર્થ છે, આરામ, સુરક્ષા, આત્મવિશ્વાસ અને પોતાના શરીર પર ફરી અધિકાર પ્રાપ્ત કરવો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન