You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPLમાં હવે પ્લે-ઑફનું ચિત્ર સાફ, રાજસ્થાન રૉયલ્સ ઇન, પંજાબ-કોલકાતા બહાર
આઈપીએલ-2026ની પ્લે-ઑફની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. રાજસ્થાન રૉયલ્સે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પ્લે-ઑફમાં પોતાની જગ્યા પાકી કરી નાખી છે. રાજસ્થાનના જીતવાની સાથે જ પંજાબ કિંગ્સ અને કોલકતા નાઇટરાઇડર્સનું પ્લે-ઑફમાં પ્રવેશવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
16 અંક સાથે આઈપીએલ-2026માં પ્લે-ઑફમાં પ્રવેશનારી રાજસ્થાનની ટીમ ચોથી ટીમ છે. તેણે આજે મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું હતું.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં રાજસ્થાન રૉયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 206 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ 20 ઓવરમાં માત્ર 175 રન બનાવી શકી હતી.
રાજસ્થાન રૉયલ્સની આ જીત સાથે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટરાઇડર્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ (આરસીબી), ગુજરાત ટાઇટન્સ (જીટી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ની ટીમો પહેલેથી જ પ્લે-ઑફમાં જગ્યા બનાવી ચૂકી હતી.
પૉઇન્ટ ટેબલમાં આરસીબી પહેલા, ગુજરાત ટાઇટન્સ બીજા, સનરાઇઝર્સ ત્રીજા અને રાજસ્થાન રૉયલ્સ ચોથા સ્થાને છે.
હવે આઈપીએલ 2026માં ક્વૉલિફાયર -1 રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ અ ગુજરાત ટાઇટન્સ વચ્ચે 26મી મે (મંગળવારે) રમાશે. આ મૅચમાં જે વિજેતા હશે તે ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે.
જ્યારે કે ક્વૉલિફાયર-1માં હારનારી ટીમને વધુ એક તક મળશે અને તે ક્વૉલિફાયર-2 રમશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે થનારા ઍલિમિનેટર મુકાબલામાં જે ટીમ જીતશે તેને ક્વૉલિફાયર-2 રમવાની તક મળશે. પછી ક્વૉલિફાયર-2ની વિજાતે ટીમનો સામનો ફાઇનલમાં ક્વૉલિફાયર-1ની વિજેતા ટીમ સાથે થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્વૉલિફાયર-1 મુકાબલો ધર્મશાળામાં 26મી મેના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ ઍસોશિએશન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ઍલિમિનેટર અને ક્વૉલિફાયર-2 મૅચો અનુક્રમે 27મી મે અને 29મી મે ના રોજ ન્યૂ ચંડીગઢમાં રમાશે. ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જે 31મી મેના રોજ નિર્ધારિત છે.
રાજસ્થાને 'કરો યા મરો'ની આ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 206 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. તેણે 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે 205 રન બનાવ્યા હતા. ટૉસ ગુમાવીને બૅટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમને પહેલો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે વૈભવ સૂર્યવંશી માત્ર ચાર રને આઉટ થઈ ગયા. યશસ્વી જયસ્વાલ પણ 27 રને આઉટ થઈ ગયા. રિયાન પરાગ પણ મોટી પારી ન રમી શક્યા અને તેમણે 8 બૉલમાં 14 રન બનાવી પેવેલિયન ભેગા થઈ જવું પડ્યું. પાવરપ્લેમાં રાજસ્થાનનો સ્કોર ત્રણ વિકેટે 54 રન હતો.
દાસુન શનાકા અને ધ્રુવ જુરેલ વચ્ચે ચોથી વિકેટ માટે 45 રનની ભાગેદારી થઈ. શનાકાએ 15 બૉલમાં 29 રન બનાવ્યા. રાજસ્થાનની પાંચમી વિકેટ જુરેલના રૂપમાં પડી. તેમણે 26 બૉલમાં 38 રનની પારી રમી હતી. જૉફ્રા આર્ચરે શાનદાર પારી રમી. તેમણે માત્ર 15 બૉલમાં 32 રન બનાવ્યા. છેલ્લે રવીન્દ્ર જાડેજા અને નાંદ્રે બર્ગર અનુક્રમે 19 અને 10 રને નોટઆઉટ રહ્યા.
જવાબમાં મુંબઈની પારી શરૂઆતથી જ લડખડાઈ હતી. દિગ્ગજ રોહિત શર્મા શૂન્ય રને આઉટ થઈ ગયા. જૉફ્રા આર્ચરે પહેલી જ ઓવરમાં તેમને પેવેલિયન ભેગા કરી દીધા હતા. આર્ચરે ત્રીજી ઓવરમાં નમન ધીરને પણ બૉલ્ડ કર્યા. રયાન રિકેલ્ટન ફરી ફ્લૉપ રહ્યા. નાંદ્રે બર્ગરે તેમને આઉટ કર્યા. બૃજેશ શર્માએ તિલક વર્માને છઠ્ઠી ઓવરમાં બોલ્ડ કરી દીધા. તેમણે માત્ર ત્રણ રન બનાવ્યા હતા. પાવર પ્લે સમાપ્ત થવા પર મુંબઈની ટીમનો સ્કોર ચાર વિકેટે 49 રન હતો.
એક છેડે સૂર્યકુમાર યાદવ ટકી રહ્યા હતા. તેમણે વિલ જૅક્સ સાથે મળીને મુંબઈની ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 63 રન જોડ્યા. પરંતુ યશરાજ પુંજાએ 12મી ઓવરમાં જૅક્સને શિકાર બનાવ્યા. જૅક્સ 18 બૉલમાં ત્રણ ચોક્કા અને બે છક્કાની મદદથી 33 રન બનાવીને આઉટ થયા.
સૂર્યા અને કૅપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 48 રનની પાર્ટનરશિપ થઈ. આર્ચરે હાર્દિકને 16મી ઓવરમાં તેના શિકાર બનાવ્યા. હાર્દિકે 15 બૉલમાં 34 રન બનાવ્યા હતા. પછી સૂર્યા પણ 42 બૉલમાં 60 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા. ત્યારબાદ કોઈ બૅટ્સમૅન રાજસ્થાનના બૉલર સામે ટકી શક્યો નહીં. આખરે 20 ઓવર સમાપ્ત થઈ ત્યારે શાર્દુલ ઠાકુર 10 અને અલ્લાહ ગજનફર બે રને નૉટઆઉટ રહ્યા.
રાજસ્થાનની આ જીતમાં જૉફ્રા આર્ચરનું મોટું યોગદાન હતું. આર્ચરે 32 રન પણ બનાવ્યા અને ત્રણ વિકેટો પણ ઝડપી હતી. પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી પહેલાથી જ બહાર હતી. મુંબઈ ઇન્ડિયન્સ 14 મૅચ રમીને 8 અંક પ્રાપ્ત કર્યા જ્યારે કે રાજસ્થાન રૉયલ્સે 14 મૅચ પૈકી 8માં જીત હાંસલ કરીને 16 અંક પ્રાપ્ત કર્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન