You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
34 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા જે આપીને ભારતીય વ્યક્તિની સાઉદી અરેબિયામાં મોતની સજા માફ થઈ, ભારત ક્યારે આવશે?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
"મારી માતા ફાતિમા વર્ષોથી રાહ જોતી રહી છે, પરંતુ જ્યારે અબ્દુલ રહીમ તેમની સામે હશે, ત્યારે તેમને વિશ્વાસ નહીં થાય."
આ શબ્દો અબ્દુલ રહીમના ભાઈ નસીરના છે. અબ્દુલ રહીમ માટે દુનિયાભરમાંથી, ખાસ કરીને કેરળના લોકોએ 'બ્લડ મની' હેઠળ 34 કરોડ રૂપિયા ક્રાઉડ સોર્સિંગ ઍપથી એકઠા કર્યા હતા.
એકઠી થયેલી બ્લડ મનીની રકમ ભારતમાં બહુ મોટી છે.
નસીરની આ હતાશાનાં મૂળ 20 વર્ષ જૂનાં છે. નસીરના પરિવારને આ મુશ્કેલી ત્યારે વેઠવી પડી, જ્યારે નવેમ્બર 2006માં રહીમે કોઝિકોડમાં ઑટો-રિક્ષા ચલાવવાનું છોડીને સાઉદી અરેબિયામાં ડ્રાઇવરની નોકરી માટે જવાનો નિર્ણય કર્યો.
રહીમને પોતાની નવી નોકરી શરૂ કર્યાને માત્ર 28 દિવસ થયા હતા.
તેમને 17 વર્ષના એક લકવાગ્રસ્ત છોકરાની સારસંભાળનું વધારાનું કામ સોંપાયું હતું, પરંતુ આ દરમિયાન રહીમ પર પોતાના માલિકના પુત્રની હત્યાનો આરોપ લાગ્યો.
રહીમનું કહેવું હતું કે છોકરો કારની પાછળની સીટ પર બેઠો હતો અને ભૂલથી તેનું શ્વાસ લેવાનું ઉપકરણ નીકળી ગયું હતું. રહીમ તેને રિયાધની એક હાઇપરમાર્કેટમાં લઈ જતા હતા.
રહીમના પરિવારના સભ્યો અને સમિતિના સભ્યોની ચિંતા એટલે વધી ગઈ કે રહીમની આજીવન કારાવાસની સજા 20 મેના રોજ પૂરી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નસીરને બીબીસી હિન્દીને જણાવ્યું, "ધરપકડના છ મહિના બાદ મારા પિતાને આ વિશે ખબર પડી. તેઓ બહુ પરેશાન થઈ ગયા અને ઊંડા વિચારમાં ખોવાઈ ગયા."
"તેમણે પોતાને બધાથી અલગ કરી લીધા. કેટલાક મહિના બાદ તેમનું નિધન થઈ ગયું."
બે વર્ષ પહેલાં જ્યારે 'બ્લડ મની' આપી દેવાઈ ત્યારે નસીરનાં માતા બધાને એમ કહેતાં કે રહીમ "એક દિવસ ઘરે ચોક્કસ આવશે."
તેઓ આ આશાને સહારે જીવતાં હતાં.
પરંતુ આ વર્ષો દરમિયાન વિભિન્ન કોર્ટમાં અનેક અપીલો દાખલ કરાઈ. કિંગની સામે મૃત્યુદંડથી માફી માટે પણ વિનંતી કરાઈ, પરંતુ રહીમ પર હંમેશાં એક જોખમ તોળાઈ રહ્યું હતું.
34 કરોડ રૂપિયા કેવી રીતે ભેગા કર્યા?
અબ્દુલ રહીમ લીગલ આસિસ્ટન્ટ સમિતિના સભ્ય અશરફ વેંગાટે બીબીસી હિન્દીને જણાવ્યું, "2011માં જ્યારે પહેલી વાર મોતની સજા સંભળાવાઈ ત્યારે અમે બાળકના પિતા સાથે વાતચીત શરૂ કરી હતી, પરંતુ જૂન 2024માં મોતની સજાને ઉંમરકેદમાં ફેરવી દેવાઈ."
જોકે આ દરમિયાન સમિતિના સભ્યોએ રિયાધસ્થિત ભારતીય દૂતાવાસના તત્કાલીન વેલફેર ઑફિસર યુસૂફ કુન્નુમલ સાથે મળીને કાયદાકીય લડાઈ ચાલુ રાખી.
તેમજ છોકરાના પરિવારના સભ્યો પાસે માફી માટે વાતચીત પણ શરૂ થઈ ગઈ.
યુસૂફ કુન્નુમલે બીબીસી હિન્દીને જણાવ્યું, "ઑક્ટોબર 2019માં એક વકીલના માધ્યમથી ગંભીર વાતચીત શરૂ થઈ."
"ઑક્ટોબર 2023માં અમે એક આંતરિક કરાર પર પહોંચી શક્યા. ત્યારે પરિવાર 'બ્લડ મની' તરીકે 15 મિલિયન સાઉદી રિયાલ કે ભારતીય ચલણમાં 34 કરોડ રૂપિયા (એ સમયના દરના હિસાબે) સ્વીકાર કરવા પર સહમત થયો."
જોકે રહીમનો પરિવાર આટલી મોટી રકમ ભેગી કરવામાં અસમર્થ હતો. 'અબ્દુલ રહીમ લીગલ આસિસ્ટન્ટ સમિતિ'ને એક ચૅરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવાઈ.
નસીરે કહ્યું કે "શરૂઆતનાં કેટલાંક અઠવાડિયાંમાં ક્રાઉડ સોર્સિંગ ઍૅપ માત્ર બેથી ત્રણ કરોડ રૂપિયા આવ્યા હતા. પછી અચાકન સ્થાનિક ચૅનલો, યૂટ્યૂબર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સરના માધ્યમથી આ સમાચાર ફેલાઈ ગયા અને વાત દૂર દૂર સુધી પહોંચી ગઈ. એટલે સુધી કે મંદિરો અને ચર્ચોએ પણ મારા ભાઈ માટે પૈસા ભેગા કરવા અપીલ કરી."
બિઝનેસમૅન બૉબી ચેમ્મનૂરે (ચેમ્મનૂર જ્વેલર્સ) ફંડમાં એક કરોડ રૂપિયાનું યોગદાન આપ્યા બાદ ફંડ એકઠું કરવા માટે તિરુવનંતપુરમથી એક બસ ચલાવાઈ.
રાજકીય પાર્ટીઓ અને મલયાલમ ફિલ્મજગતની હસ્તીઓએ પણ આમાં યોગદાન આપ્યું.
ક્રાઉડ સોર્સિંગ ઍપથી 47 કરોડની રકમ જમા થઈ ગઈ
અશરફે જણાવ્યું કે ક્રાઉડ સોર્સિંગ ઍપ પહેલી માર્ચ, 2024માં લૉન્ચ કરાઈ હતી.
તેમણે જણાવ્યું કે "આ રકમ વધીને 34 કરોડ રૂપિયા થઈ ગઈ. એ રમજાનનો 27મો દિવસ પણ હતો."
"કદાચ આ કારણે લોકોએ ફાળો આપ્યો. જોકે આ લક્ષ્ય હાંસલ થઈ ગયા પછી એક બહુ અજીબ ઘટના ઘટી."
અશરફે જણાવ્યું, "લોકોએ એ ખાતામાં પૈસા નાખવાનું ચાલુ રાખ્યું. કુલ રકમ 47 કરોડ સુધી પહોંચી ગઈ."
"અમારા બૅન્ક ખાતામાં 13 કરોડ રૂપિયા જમા પડ્યા છે. જ્યારે રહીમ પાછા આવી જશે, ત્યારે સમિતિ નિર્ણય કરશે કે આ વધારાના પૈસાનું શું કરવું."
સમિતિએ 'બ્લડ મની' વિદેશ મંત્રાલયને આપી દીધી છે અને વિદેશ મંત્રાલયે તેને રિયાધસ્થિત ભારતીય દૂતાવાસમાં મોકલી આપી છે.
અશરફે જણાવ્યું કે "ચેક રિયાધના ગવર્નર કાર્યાલયને સોંપી દીધો છે, જેને તેણે કોર્ટમાં જમા કરી દીધો છે."
"બીજી જૂન, 2025ના રોજ કોર્ટે મોતની સજાને આજીવન કારાવાસમાં બદલવાનો નિર્ણય સંભાળાવ્યો."
યુસૂફ કુન્નુમલે કહ્યું કે "આ બધું વકીલની મદદ વિના શક્ય નહોતું. એ વકીલ એ પરિવારનો સંબંધી પણ હતો."
ભારતીય દૂતાવાસના આ નિવૃત્ત ઑફિસરે સાઉદી અરેબિયામાં નવ ભારતીયોને મોતની સજામાંથી બચાવ્યા છે.
રહીમ સિવાય આ નવ લોકોમાં પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશથી એક-એક વ્યક્તિ અને કેરળના પાંચ અન્ય લોકો સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન