'લોકોના ભગવાન' : હિંસામાં લાખો લોકો માર્યા ગયા, ભયંકર દુકાળ ચાર કરોડ લોકોને ભરખી ગયો, એક માણસે ચીનને કેવું બદલી નાખ્યું?

    • લેેખક, બીબીસી ન્યૂઝ મુંડો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

છ દાયકા પહેલાં શરૂ થયેલી સાંસ્કૃતિક ક્રાંતિનો સમય ચીનના ઇતિહાસના સૌથી અંધકારમય ગાળા પૈકીનો એક હતો.

1966માં સામ્યવાદી નેતા માઓત્સે તુંગે સરકાર, શિક્ષણ અને કળામાંથી પ્રતિ-ક્રાંતિકારી ગણાતાં તત્ત્વો, મૂડીવાદી પ્રભાવો અને પૂંજીપતિ વિચારસરણી હટાવવા માટે દેશવ્યાપી અભિયાનની હાકલ કરી.

માઓ ભૂતકાળ ઉપર, "જૂના વિચારો" અને "જૂના રીત-રિવાજો" પર યુદ્ધની ઘોષણા કરી રહ્યા હતા.

અને આ લડાઈ મુખ્યત્વે પોલીસ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા નહીં, બલ્કે સામાન્ય નાગરિકો દ્વારા, ખાસ કરીને યુવાનો દ્વારા તેમના પોતાના જ સાથી નાગરિકો સામે લડાવાની હતી.

"માઓનો સંદેશો હતોઃ 'તમારા શિક્ષક સામે, તમારા માસ્ટર સામે, તમારા પક્ષના નેતા સામે, તમારા ઉપરી અધિકારી સામે, ફૅક્ટરીના બૉસ સામે બળવો પોકારો. બળવો વાજબી છે,'" એમ અમેરિકાની લૉંગ આઇલૅન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને ઇતિહાસકાર યાફેંગ શિયાએ જણાવ્યું હતું.

સત્તાવાર રીતે 1976 સુધી ચાલેલા અભિયાને ચીનના સમાજને સમૂળગો બદલી નાખ્યો અને દેશ ઉપર ઊંડી રાજકીય તથા સાંસ્કૃતિક છાપ અંકિત કરી, જે હજુયે દેશમાં મોજૂદ છે.

માઓનો ઉદ્ભવ અને 'ગ્રેટ લીપ ફૉર્વર્ડ'

કુઓમિન્તાંગના રાષ્ટ્રવાદી સૈનિકોને મ્હાત આપીને માર્ક્સવાદથી પ્રેરાઈને માઓએ પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સ્થાપના કરી અને 1949માં તેઓ સત્તા પર આવ્યા.

સદીઓ સુધી ચાલેલાં રાજવી શાસનો બાદ ચીન આર્થિક પછાતપણા સાથે અને વિદેશી સત્તાઓનાં આક્રમણો વચ્ચે 20મી સદીમાં પ્રવેશ્યું.

અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતાઓ, ગામડાં અને શહેરો વચ્ચેની અસમાનતાઓ, પુરુષો અને મહિલાઓ વચ્ચેની અસમાનતાઓ ઘણી વિશાળ હતી.

1958માં માઓએ 'ગ્રેટ લીપ ફૉરવર્ડ' અભિયાન આદર્યું હતું, જે ચીનની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને ઝડપથી ઔદ્યોગિકીકરણ તરફ લઈ જવાનો તથા થોડાં જ વર્ષોમાં પશ્ચિમી દેશોની હરોળમાં આવી જવાનો ઉદ્દેશ્ય ધરાવતો કાર્યક્રમ હતો.

સામૂહિક કૃષિ શરૂ કરવામાં આપી અને પહોંચમાં ન હોય, એવા લક્ષ્યાંકો લાદવામાં આવ્યા અને તેની સાથે જ અસ્થિર આર્થિક નીતિઓ અમલી બનાવાઈ, જે આખરે નુકસાનકારક પુરવાર થઈ.

1960ના દાયકાના પ્રારંભમાં ચીનનું અર્થતંત્ર અને કૃષિ ધરાશાયી થઈ ગયાં હતાં.

આવી સ્થિતિ અને તેમાં ઘણી કુદરતી હોનારતોને પગલે ઇતિહાસના સૌથી મોટા દુકાળોમાંનો એક દુકાળ પડ્યો, જેમાં અંદાજે બેથી ચાર કરોડની વચ્ચે લોકો મોતને ભેટ્યા હતા.

યાફેંગ શિયા કહે છે, "માઓ જાણતા હતા કે, ગંભીર રાજકીય ભૂલો થઈ હતી."

ઇતિહાસકારના મતે, 1961માં નેતાએ પીછેહઠ કરી અને લિયુ શાઓકી અને ડેંગ શિયાઓપિંગ જેવા અન્ય નેતાઓએ આર્થિક સુધારણાની જવાબદારી ઉઠાવી લીધી.

1964 સુધીમાં ચીનના અર્થતંત્રમાં સુધારો જણાવા માંડ્યો.

પણ માઓએ કદીયે સંપૂર્ણપણે કબૂલાત ન કરી કે તેમણે ભૂલો કરી હતી.

શિયાના મતાનુસાર, નેતાને એવો ભય પણ સતાવતો હતો કે, તેમના અનુગામીઓ "ગ્રેટ લીપ ફૉરવર્ડ"ની નિષ્ફળતા તથા ભીષણ દુકાળ બદલ તેમને જવાબદાર ઠેરવશે.

1965માં તેમણે લિયુ શાઓકી અને ડેંગ શિયાઓપિંગ (જેમને પદભ્રષ્ટ કરીને એક ટ્રૅક્ટર ફૅક્ટરીમાં કામ કરવા માટે મોકલી દેવાયા હતા) જેવા નેતાઓને "મૂડીવાદના અનુયાયીઓ" ગણાવીને રાજકીય પુનરાગમનની તૈયારીઓ કરવા માંડી.

ચીનની સામ્યવાદી વિચારસરણીમાં આ ઘણો ગંભીર આક્ષેપ હતો.

ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિની શરૂઆત કવી રીતે થઈ

16મી મે, 1966ના રોજ માઓએ એક આદેશ જાહેર કર્યો, જેનો હેતુ તેમના રાજકીય વિરોધીઓથી છુટકારો મેળવવાનો અને તેની સાથે જ સૈદ્ધાંતિક રીતે સમાજને પુનઃ જીવિત કરવાનો હતો.

ઇતિહાસકારના જણાવ્યા પ્રમાણે, માઓ માનતા હતા કે, ઘણા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક સરકારી અધિકારીઓ ભ્રષ્ટ થઈ ચૂક્યા હતા અને તેઓ લોકોની સેવા કરતા નહોતા અથવા પછી માઓ તેમને એવા નેતાઓના અનુયાયીઓ માનતા હતા, જેમને તેઓ અગાઉ પદભ્રષ્ટ કરી ચૂક્યા હતા.

ઇતિહાસકાર નોંધે છે, "માઓ સાચે જ વિચારતા હતા કે, તેઓ નવી સામ્યવાદી ક્રાંતિ કરી રહ્યા હતા, તેઓ માનતા હતા કે, સતત રાજકીય ક્રાંતિ હોવી જરૂરી છે."

આ પ્રચંડ જન એકત્રીકરણ હતું, ખેડૂતો, શ્રમિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને તેમના ઉપરીઓ સામે તેમજ સત્તા ભોગવી રહેલી કોઈપણ વ્યક્તિ સામે વિદ્રોહ કરવા માટે હાકલ કરાઈ હતી.

વળી, આ બધું માઓની આસપાસ વ્યક્તિ પૂજાને પ્રોત્સાહન આપવા માટેના એક વિશાળ સ્તરના અભિયાન હેઠળ થઈ રહ્યું હતું.

બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર પર માઓની "લિટલ રેડ બુક" (નાની લાલ પુસ્તિકા) હાથમાં લઈને એકઠા થયેલા હજ્જારો યુવાનોની તસવીરો તે યુગનાં પ્રતીકોમાં સ્થાન ધરાવે છે.

રેડ ગાર્ડ અને 'ફૉર ઓલ્ડ મૅન'નો અંત

સાંસ્કૃતિક ક્રાંતની સૌથી પ્રતીકાત્મક યુવા ચળવળ રેડ ગાર્ડ હતી, જેમાં હાઇ સ્કૂલ તથા યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓ સામેલ હતા. માઓના ઉપદેશોનો અમલ કરવા માટે તે વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાંથી આગળ આવ્યા હતા.

શિયા કહે છે, "તે યુવાન લોકો માટે, ચૅરમૅન માઓ ભગવાન હતા. માઓ જે પણ કહે, તે જ સાચું હતું."

આ અભિયાન શાસન જેને "ફોર ઓલ્ડ્ઝ" તરીકે ઓળખાવતું હતું, તે - જૂના વિચારો, જૂની સંસ્કૃતિ, જૂના રીત-રિવાજો અને જૂની આદતો વિરુદ્ધ હતું.

રેડ ગાર્ડ્ઝે ક્રાંતિ સાથે વિસંગત ગણાતી પરંપરાઓને નાબૂદ કરવાના આશય સાથે સમગ્ર ચીનનો પ્રવાસ ખેડ્યો.

શિક્ષકો, બુદ્ધિજીવીઓ અને રાજ્યના શત્રુઓ તરીકે ઓળખાતા લોકોને તેમનાં ઘરોમાંથી ઉઠાવી જવાયા, બાંધી દેવાયા, તેમની પૂછપરછ કરવામાં આવી, જાહેરમાં તેમનું અપમાન કરવામાં આવ્યું અને એટલા મારવામાં આવ્યા કે, અમુકનાં મોત પણ નીપજ્યાં.

લગભગ એક દાયકા સુધી યુનિવર્સિટીઓની કામગીરી ખોરવાઈ ગઈ અને હૉસ્પિટલો આંશિક રીતે જ કામ કરતી હતી.

મંદિરો, દુકાનો, ઘરો, પુસ્તકો અને ચીનના ઘણા-ખરા સાંસ્કૃતિક વારસાનો પણ નાશ કરવામાં આવ્યો.

આ હિંસા સામાન્ય પરિવારો સુધી પણ પહોંચી, શિયા યાદ કરે છે કે, તેમનાં માતા-પિતા જિઆંગસુ પ્રાંતના એક નાના નગરમાં આવેલી સરકારી માલિકીની એક કંપનીમાં કામ કરતાં હતાં.

તેમના નિવેદન પ્રમાણે, જે લોકોને તેમનાં માતા પ્રત્યે સહાનુભૂતિ નહોતી, તેમણે તેમના વિરુદ્ધ ફરિયાદ કરી, જેના પરિણામે તેમનાં માતાએ બે વર્ષનો જેલવાસ ભોગવવો પડ્યો હતો.

તેમના પિતાએ શરૂઆતમાં માઓના ક્રાંતિકારી આહ્વાનનું સમર્થન કર્યું હતું, તેઓ પણ 1968 પછી સતામણીનો ભોગ બન્યા હતા.

અરાજકતા અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક બંદોબસ્ત

1968 સુધીમાં ચળવળ નિરંકુશ થઈ ગઈ હતી અને ચીન હિંસા અને અરાજકતાની એવી આગમાં હોમાઈ ગયું હતું, જેની સરખામણી કેટલાક લોકોએ ગૃહયુદ્ધ સાથે કરી હતી.

એક અંદાજ પ્રમાણે, વિરોધીઓને દૂર કરવાના અને સત્તાના આ સંઘર્ષમાં હજ્જારો લોકો મોતને ભેટ્યા હતા.

છેવટે માઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે, પરિસ્થિતિ લાંબો સમય ટકી શકે તેમ નથી, આથી તેમણે રેડ ગાર્ડ પર લગામ લગાવવાનો નિર્ણય કર્યો.

તે યુવાન લોકોમાંથી ઘણા શહેરી વિદ્યાર્થીઓ હતા, જે કોઈ નક્કર કામ કર્યા વગર દેશભરમાં પ્રવાસ ખેડતા હતા, એમ શિયાએ જણાવ્યું હતું.

માઓએ ઉકેલ કાઢ્યો કે, એ યુવાનોને "ખેડૂતો પાસેથી શીખવા માટે" અને ખેડૂત તરીકે કામ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં મોકલી દેવામાં આવે.

આશરે 1.6 કરોડ યુવાનોને ગ્રામીણ પ્રદેશોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા, જેથી શહેરોમાં થોડી શાંતિ સ્થપાય.

ચીનના સત્તાવાર ઇતિહાસ મુજબ સાંસ્કૃતિક ક્રાંતિ 1966થી 1976 સુધી ચાલી હતી, પણ શરૂઆતનાં ત્રણ વર્ષ સૌથી વધુ હિંસક હતાં.

1969થી માઓએ સરકાર તથા લશ્કરના અધિકારીઓને સત્તા પરથી દૂર કરવાનું ચાલુ રાખ્યું અને તેમનાં પત્ની જિયાંગ ક્વિંગ જેવી કટ્ટરપંથી ગણાતી વ્યક્તિઓ પર વિશ્વાસ રાખીને પોતાની સત્તા મજબૂત કરી.

ઝાંગ ચુન્કિયાઓ, વાંગ હોંગવેન અને યાઓ વેનયુઆન સાથે મળીને જિયાંગે એક જૂથ બનાવ્યું, જે પછીથી "ગૅંગ ઑફ ફોર" તરીકે જાણીતું બન્યું.

માઓનું મોત અને સાંસ્કૃતિક ક્રાંતિની અસર

સપ્ટેમ્બર, 1976માં માઓત્સે તુંગનું અવસાન થયું.

તેમના મૃત્યુ બાદ ચાઇનિઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ તેમને "મહાન હીરો" તરીકે રજૂ કર્યા અને દેશમાં વિનાશકારી ગણાતી સાંસ્કૃતિક ક્રાંતિની ભયાવહતા તથા અતિશયોક્તિથી તેમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

નવા નેતાઓએ એવા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી, જેમને તેઓ અત્યાચારો માટે બૌદ્ધિક રીતે જવાબદાર ગણતા હતા - ખાસ કરીને "ગૅંગ ઑફ ફોર" - જેના સભ્યોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

શિયાના જણાવ્યા મુજબ, કમ્યુનિસ્ટ પાર્ટીને માઓને સાવ વખોડી નાખવાનું પરવડે એમ નહોતું, કારણ કે, તેમ કરવાથી શાસનની કાયદેસરતા સામે જ સવાલ ઊઠ્યો હોત.

આથી, માઓના અનુગામીઓએ એમ જણાવ્યું કે, નેતા વૃદ્ધ અને બીમાર હતા અને તેમના જીવનનાં પાછલાં વર્ષોમાં તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

જોકે, સમય વીતવા સાથે નેતાની કેટલીક ભૂલો સત્તાવાર રીતે સ્વીકારવામાં આવી હતી.

ડેંગ શિયાઓપિંગે (જેઓ પુનઃ સ્થાપિત થઈ ચૂક્યા છે) તે વિચારધારાને એક વાક્યમાં સમેટીને રજૂ કરી... આગળ જતાં તે વાક્ય ઘણું પ્રસિદ્ધ થયું: માઓ "70 ટકા સમયે સાચા હતા અને 30 ટકા સમયે ખોટા હતા."

1978માં સર્વોચ્ચ નેતા બનેલા ડેંગે સમકાલીન ચીનને આકાર આપવામાં મદદરૂપ થાય, તેવાં પરિવર્તનોનું સુકાન સંભાળ્યું.

રાજ્યનું દમનકારી તંત્ર યથાવત્ રહ્યું, પણ ચીને એવા બે વિચારોને એકસાથે લાવવાની શરૂઆત કરી, જેણે 20મી સદીના મોટાભાગના સમયમાં વિશ્વને વિભાજિત કરી દીધું હતું: રાજકીય સામ્યવાદ તથા મૂડીવાદી આર્થિક ઉદારતા.

એક સામ્યવાદી પક્ષનું શાસન ધરાવતા દેશમાં મૂડીવાદને વિરોધાભાસ તરીકે જોવાનું બંધ થઈ ગયું.

દાયકાઓ પસાર થયા પછી પણ, માઓની છબિ ચીનમાં વિભાજન ઊભું કરતી રહી છે.

શિયાના જણાવ્યા પ્રમાણે, ઘણા નાગરિકો હજુયે તે યુગને આદર્શ ગણે છે અને તેઓ માને છે કે, માઓવાદ દરમિયાન "સામાન્યપણે અધિકારીઓ ભ્રષ્ટ નહોતા."

ઇતિહાસકાર કહે છે, "ચીનના 50 ટકા કરતાં વધારે લોકોનું હજુયે માનવું છે કે, માઓ એક મહાન નેતા હતા."

જોકે, સાથે જ તેઓ નોંધે છે, "મોટાભાગના શિક્ષિત લોકો જાણે છે કે, સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન શું થયું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન